..... ઋણાનુબંધ ..... એક ઝાકળ-ભીનું સ્પંદન .....!... અનોખું બંધન ... !

Wednesday, November 28, 2007

..*.. સ્વરચિત કાવ્યપંક્તિઓ ..*..


" ધબકાર " ગ્રુપનાં સંમેલનમાં રજુ થયેલી ધારિણીબહેનનાં સૂરીલા કંઠ દ્વારા પઠિત મારી રચનાઓ..

આ સાથે ધારિણીબહેન, દેવલબહેન, જીજ્ઞાબહેન, શૈલ્યભાઈ,મંથનભાઈ,કાંક્ષિતભાઈ,ડૉ.પાર્થભાઈ તથા આપણા ''ધબકાર'' ગ્રુપનાં દરેક સભ્યમિત્રો નો ખૂબ આભાર તથા '' ધબકાર ''નાં ધબકારા સૂર શબ્દ અને સંગીતનાં સથવારે પૂરાં વિશ્વનાં હૃદય માં અવિરત ધબકે એવી હાર્દિક શુભેચ્છાઓ..!





*

..તારી પ્રેમ નીતરતી આંખો વણ-કહી વાત કહી ગઇ.

તેની અબોલ ભાષા સમજી પાંપણ મારી ઝુકી ગઇ...

શબ્દો વિનાની એક ગઝલ બંધ હોઠો થી પ્રગટ થઇ...

તારાં હૃદય માં થી નીકળી મારાં હૃદય માં વસી ગઇ... !

*

ખુલ્લી આંખોએ જોયું મેં એક શમણું,

શમણાંમાં જોયું મેં મુખ તારું નમણું,

એ નમણાં મુખ પર રેલાઇ રહ્યું છે મંદ મંદ સ્મિત ,

જાણે કે વાંસળી માં થી વહી રહ્યું મધુર સંગીત..!

હે સમય, તું ધીરે ચાલ, શમણું મારું જાય ના ટૂટી,

શમણાંની આ શરુઆત છે, હજુ તો એને છે પાંખો ફુટી..!

*

.. જિંદગી નાં કેવા અજીબ મોડ પર આવી ને અટકી છું..!

તને શોધવા જ્યાં ને ત્યાં ભટ્કી છું..!


સગડ મળે જો ક્યાંય થી પણ તારાં,

તને નિહાળવા બેચૈન છે નયનો મારાં..!


કેવી રીતે ભુલાઇ ગયાં જે દીધા હતાં તે વાયદા..?

ઝુરવું ને મરવું શું એ જ છે પ્રીત કેરા કાયદા..?


આંસુ બની ટપકી રહે છે યાદ તારી...

ક્યારેક તો નિરાશા મટી આશા ફળશે મારી..!!


Friday, November 23, 2007

..*.. સુવર્ણજયંતી ..*..

અનોખાં બંધને બંધાઇ આ લગ્નગાંઠ, આવી આવી આ પચાસમી વર્ષગાંઠ..!!


આજે અમારાં પિતાશ્રી ચિમનલાલ જમનાદાસ ઘીયા તથા માતુશ્રી નિર્મળાબહેન ચિમનલાલ ઘીયાને એમનાં દાંપત્યજીવનની સુવર્ણજયંતી પર અંત:કરણ પૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હાર્દિક અભિનંદન ..!

અમારાં પૂજ્ય દાદા સ્વ.શ્રી જમનાદાસ હરજીવનદાસ ઘીયા તથા પૂજ્ય દાદી સ્વ. જયાકુંવર જમનાદાસ ઘીયાએ એમનાં જીવન રૂપી અમૃતકુંભમાંથી, સજ્જ્નતાનાં બીજ રોપી અને સંસ્કારોનું અમી સીંચીને એમનાં સંતાનોને ઘીયા કુટુંબનાં વટવૃક્ષ બનાવ્યાં. જયેષ્ઠ પુત્ર સ્વ. શ્રી મગનભાઇ ઘીયા, દ્વિતિય પુત્ર સ્વ.શ્રી ઇન્દુભાઇ ઘીયા, તૃતિય પુત્ર શ્રી ચિમનભાઇ ઘીયા તથા ચતુર્થ પુત્ર શ્રી વિનોદભાઇ ઘીયા એ વેપાર વાણીજ્ય ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી..તથા સૌરાષ્ટૃનાં દાનવીર ભામાશા કહેવાયા..! ચારે પુત્રો એ આધ્યાત્મિક સ્તરે પણ ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કર્યું...એમની જીવનયાત્રાનાં અનેક તડકા-છાયાં માં સાથ અને સહકાર આપ્યો એમની જીવનસંગિનીઓ એ....! .. સાત સાત ફેરે સાત ભવના કોલ, કોઈ કાળજાનો કટકો, કોઈ કાળજાની કોર, બંધન અનોખું ...!

આમ જોઇએ તો સંતાન અને માતા-પિતાનું બંધન પણ અતૂટ જ હોય છે ને..?...
અમને બધાને જન્મ આપી, દીકરાઓને કૂળદિપક બનાવી પ્રકાશ ફેલાવ્યો અને અમારાં જીવનમાં પણ એ જ સંસ્કાર નું અમૃત રેડી દીકરીઓ રૂપી વેલ ને જતન પૂર્વક ઉછેરી ને સાસરે વળાવી..!..આજ સુધી અમે દીકરીઓએ ઘીયા કુટુંબમાંથી જે મેળવ્યું છે એ અમારા જીવનની મહામુલી મુડી છે..એ છે સંસ્કાર અને માનવતા....! જે જીવનભાથું સાથે લઇ ને દીકરીઓ સાસરે ગઇ..!

પૂજ્ય મમ્મીએ હંમેશા એમનાં નામ મુજબ જ નિર્મળ સ્નેહની સરવાણી વહાવી છે તો પૂજ્ય પપ્પાએ હંમેશા વહાલનો વરસાદ વરસાવ્યો છે અમારાં પર...!!....અને એ બધાં જ લાગણીભીનાં સ્પંદનોને અમે પળ પળ મહેસુસ કરી ને માણ્યા છે..!

એમણે બતાવેલી રાહ પર ચાલવાની કોશીશ કરીએ પણ એમને આંબી નહીં શકીએ...એવાં અમારાં પૂજ્ય પપ્પા તથા પૂજ્ય મમ્મીને એમનાં સંતાનો નાં લાખ લાખ પ્રણામ ..! આજે શ્રીજી પાસે એજ પ્રાર્થના છે કે જ્યારે પણ માનવદેહ મળે આ જ માતા-પિતા મળે..અને ઘીયા કુટુંબમાં જ જન્મ મળે દીકરાંનો..!.. કારણ કે દીકરી બનીને એમનાંથી દૂર રહેવું પડ્યું...હવે દીકરો બનીને ઋણ ચુકવવું છે..!..છે ને આ અનોખું બંધન ..?..એમની મમતા અને વાત્સલ્ય નાં બંધન થી દૂર નથી થવું..!


આજે એમનાં સંતાનો તરફ થી આ ગીત એમને અર્પણ..!!


ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહી..!

અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહી..!

પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું,

એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહી..!

કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા,

અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહી..!

લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા,

એ કોડના પુરનારના, આ કોડને ભૂલશો નહી..!

લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા,

એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહી..!

સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો,

જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહી..!

ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને,

એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહી..!

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર,

એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહી..!

ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહી..!

પળ પળ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહી..!




Saturday, November 17, 2007

.. *.. ઉપહાર ..*..

' અનોખુંબંધન ' માટે ખાસ મોક્લાવેલ આ ભેટ બદલ પ્રિય નીલમદીદી ( પરમ સમીપે ) નો ખૂબ ખૂબ આભાર...!..




..શબ્દોના સથવારે છલક્તું આ કેવું અનોખુ બંધન..!


ન જોયા, ન હળ્યા મળ્યા..તો યે કયાં રહ્યા અજાણ્યા ?


સ્નેહના બંધનથી જકડાયેલ,પ્રેમના વણાયા તાણાવાણા


ચેતુ, અમે સૌ તારા સ્નેહના અનોખા બંધનમાં બંધાણા.



નૂતન વરસે શરૂ થતાં વધુ એક નવા બ્લોગ.."અનોખુ બંધન'' ને આવકારતા અનેક શુભેચ્છાઓ સાથે આનંદ. ગુજરાતી નેટવિશ્વ વિસ્તરતું રહે એથી રૂડુ બીજુ શું હોઇ શકે ? ચેતનાબહેને નાની બહેનના હક્કથી કંઇક લખી આપવાનો હુકમ કર્યો છે. તેને સર આંખો પર ચડાવવો જ રહ્યો ને ?
શું લખું ? એ પ્રશ્ન મનમાં ઉઠી રહ્યો છે. વાર્તા કે લેખ કે એવું કશું મારે લખવાનું છે..એવી સૂચના મળી છે. અચાનક મારા મનમાં આ ક્ષણે વીજળીની જેમ એક વિચાર ચમકે છે. અને આ રહ્યો એનો અમલ.

ચેતના મને પૂરા અધિકારથી કહી શકી,”દીદી, તમારે લખવું જ પડશે મારે માટે..” આ કયો અધિકાર છે ? અમે બંને તો કયારેય મળ્યા નથી. એકબીજાને જોયા નથી..છતાં...! આ અધિકાર છે સ્નેહનો..લાગણીનો..આ બંધન અનોખુ નથી ? અનોખાબંધન નો આ અધિકાર છે તેવું નથી લાગતું ? નેટજગતનું આ બંધન કેટલા બધા લોકોને સ્નેહના તાણાવાણાથી જોડી રહ્યું છે. તો આજે હું લખીશ નેટવિશ્વના આ અનોખા બંધન વિશે.

આજે મને કેટલાયે નામો જરાયે અપરિચિત નથી લાગતા. કોઇને મળી છું..કોઇને નથી મળી છતાં સૌ પોતાના કેમ લાગે છે ? આ કઇ ભાવના છે ? સુરેશદાદા, વિજયભાઇ, વિશ્વદીપભાઇ, એસ.વી. ઉર્મિ, પ્રતીક,ચેતનાબહેન, ,નીલાબહેન,માનવંતભાઇ, અમિત, નીલેશભાઇ, નીતાબહેન, રાજેન્દ્રભાઇ,. ધવલભાઇ, વિશાલભાઇ....કેટકેટલા નામો ગણાવું ? બધા જાણે પોતાના જ છે.
અને જેમને એકાદ વાર મળવાનો મોકો મળ્યો છે તેવા શ્રી મૃગેશભાઇ, હરીશભાઇ, જુગલકાકા, વિવેકભાઇ, પ્રવિણાબહેન, પીન્કીબહેન,સર્જિત,મંથન,ભાવિન,શૈલ્યભાઇ, જયશ્રી. આવા પણ ઘણા નામો છે. આ બધા આ જે કેટલા પોતાના લાગે છે. આભાર..ગુજરાતીનો..નેટજગતનો કે .. જેના થકી બધાને મળવાની જાણવાની તક મળી. ચેતના, આ અનોખુ બંધન નથી ? કવિ શ્રી રમેશ પારેખના શબ્દોમાં કહું તો...મનપાંચમના આ મેળામાં સૌ જાત અને પોતાની વાત લઇ ને આવ્યા છે. બધા પાસે કંઇક આગવી વાત છે.આગવી વિશિષ્ટતા છે. કોઇને કવિતા આવડે છે..કોઇને ગાતા આવડે છે. કોઇ ટેકનીકલી સાઉન્ડ છે. કોઇ પોતાનો કીમતી સમયનો ભોગે પણ સૌને છંદ શીખડાવવા તત્પર છે. કોઇ વાર્તા કહે છે. કોઇ હાસ્યનો દરબાર ભરી ને સૌના ચહેરા પર મુસ્કાન લાવવાનો પ્રશંસનીય પ્રયત્ન કરતા રહે છે. કોઇ માનવતાને જાગૃત કરવાનો પ્રયત્ન પોતપોતાની રીતે કરતા રહે છે. કોઇ ગુજરાતી..માતૃભાષા વિષે ચિંતિત છે. કોઇ ચેતનાના સ્તરે..ઉંચે જવાની વાતો કરે છે. કોઇ આધ્યાત્મિકતા નો ગુલાલ વેરતા રહે છે. કોઇ કવિતા, વાર્તા,પ્રસંગો,રત્નકણિકાઓ વિગેરે સાહિત્યના અનેક પ્રકારો નો ગુલાલ કરે છે. કોઇ ટહુકાઓ ગૂંજતા કરે છે. કોઇ બાળકો માટે કાર્યશીલ છે. શું છે આ બધું ? અને કોઇ એકના મનમાં કોઇ પ્રશ્ન જાગે તો તરત જ જવાબ આપવા સૌ તત્પર. આ અનોખુ બંધન નથી તો શું છે ? કોઇ બંધન વિનાનું બંધન..એક અદીઠ જોડાણ..આમે ય જમાનો તો વાયરલેસનો જ ને ?


“ જગતની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી..” કે પછી


નથી દુર્ભેધ્ય બંધનો કો’ સ્નેહના સમા


કાષ્ઠને શકતો કોરી અલિ, લાચાર પદ્મમાં “

આ સ્નેહ ઉત્તરોતર વધતો રહેશે એમાં શંકાને કોઇ સ્થાન નથી. હા, કયારેક કોઇ વિચાર અંગે મત મતાંતર તો થાય..પરંતુ એથી શું ? એક ઘરમાં પતિ પત્ની વચ્ચે પણ મતભેદ નથી થતા ? તેથી શું એ બંને વચ્ચે સ્નેહ નથી એમ કહી શકાય ? મતભેદ તો આવકાર્ય છે તો જ બધા ના વિચારો માણવા અને જાણવા મળે ને ? મનભેદ કયારેય ન થવો જોઇએ.અને એ નહીં જ થાય..એ શ્રધ્ધા છે. આખરે આપણે બધા એક જ ધ્યેય માટે કાર્ય કરીએ છીએ ને ? પધ્ધતિ દરેકની પોતાની આગવી .. અલગ હોય..એથી શું ?

ચેતનાબહેન ના “અનોખા બંધન “ ને ખૂબ ખૂબ...ખોબલે ખોબલે શુભેચ્છાઓ.આ બંધન સ્નેહનું બંધન બની રહે, નેટજગતમાં એ આસ્થા સાથે નેટવિશ્વના આ નવલા નજરાણાને દિલનો આવકાર.

નીલમ દોશી.

Saturday, November 10, 2007

..*.. શ્રી ગણેશાય નમ: ..*..


..*.. બંધન ..*..









ના જાણે કેવું છે આ અનોખું બંધન...!

હૃદય મહીં વહી રહ્યું લાગણી ભીનું સ્પંદન

સૂરો તણી સરગમમાં ગુંજી રહ્યું ગુંજન

હૈયાની પ્રિત તણું બંધાઈ રહ્યું આ બંધન

પ્રેમ તણા પુષ્પોથી મહેકી રહ્યું મધુવન

ના જાણે કેવું છે આ અનોખું બંધન...!

..*.. વીણેલા મોતી ..*..

જો અશ્રુ સારવાં છે તો કોઇ નાં ઝખ્મો પર સારો,

છે શોભા એ જ ઝાકળની કે એ ફૂલો પર વરસે..!

..*.. અનોખું બંધન ..*..

..અનોખું બંધન ...! ..કેટલું સુંદર અને પાવન નામ છે..? સાંભળી ને જ અલૌકિક અનુભૂતિ મહેસુસ થાય,જાણે કે પૂર્વ જન્મનું કોઇ ઋણાનુબંધ હોય એમ યુગે યુગે જન્મ લેતું એક હૃદયનું બીજા હૃદય સાથેનું બંધન....કે જે નિર્દોષ-નિ:સ્વાર્થ પ્રેમ ભાવનાનું પવિત્ર ઝરણું બનીને નિરંતર વહેતું જ રહે છે... જે સામાજિક અને લોહીનાં સંબંધથી પર છે એવું એક અલગ જ અનોખું-અલૌકિક બંધન છે..!

સાચા પ્રેમ ને ક્યારેય શબ્દોમાં સમજાવી શકાતો નથી, એ તો હ્રદયથી જ અનુભવ કરી શકાય છે..જે લાગણી ને આપણે હૃદયનાં ઉંડાણમાં થી મહેસુસ કરી શકીએ તે લાગણી-ભીનાં સ્પંદનોને બસ આપણે શબ્દોમાં દર્શાવવાની કોશિશ માત્ર કરીએ, પણ એ લાગણી સમજાવી શકીએ નહીં.. ! એવુ તો કંઇક જરૂર છે જે આપણું અસ્તિત્વ હચમચાવી જાય છે...કંઇક તો ઋણાનુબંધ હોય જ કે જેથી એક વ્યક્તિ ને બીજી વ્યક્તિ માટે હૃદયનાં ઉંડાણ થી કુદરતી મહેસુસ થતું હોય છે..ચાહે સામેની વ્યક્તિ બાળક હોય્, યુવાન હોય કે વૃદ્ધ હોય ...પણ આપણે તેની સાથેનાં કુદરતી બંધનને ફક્ત અનુભવી જ શકીએ, દર્શાવી શક્તાં નથી..અમુક લોકો માટે આ સાચો પ્રેમ જ જિંદગી જીવવાની હિંમત હોય છે..એ હિંમતનાં સહારે એ જીવન વિતાવી લે છે..!..

સાચો પ્રેમ પણ ખૂબ જ મુશ્કેલી થી મળે છે.. જો કે એ પણ કુદરતી જ હોય છે..માનવી જન્મ લઇ ને પણ કેટલાં બધાં બંધનોમાં બંધાઈ જતો હોય છે..?.. તેમાં પણ સાચી લાગણીનું બંધન કંઇક અનેરું જ હોય છે..લોહીની સગાઇથી બંધાયેલું બંધન તો હોય છે જ અલૌકિક...જે અનમોલ છે..,પરંતુ સાથે સાથે લોહીની સગાઈ તથા સામાજિક કે કૌટુંબિક સંબંધોથી પણ પર છે આ અનોખી લાગણી..!...

જેમ કે મિત્રતા..! સહેલીઓ- મિત્રો વચ્ચે ની લાગણી... જેમાં કોઇ જ સ્વાર્થ રહેલો નથી...સહેલીઓનાં સ્નેહમાં બે બહેનો ની આત્મીયતા કે મિત્રો ની દોસ્તીમાં ભાઇઓ જેવા પ્રેમનું પ્રતિબિંબ નજર આવે છે..

આવો જ એક સંબંધ છે,ધર્મ નાં ભાઇ બહેન નો...જેમનું લોહી એક નથી છતાં પણ સગા ભાઇ બહેન જેવું જ ઋણાનુબંધ મહેસુસ કરે છે એક્બીજા વચ્ચેની લાગણીમાં....!

બીજી તરફ કોઈ બાળક પ્રત્યે હૃદય માં માતૃભાવ કે પિતૃભાવ ઉત્પન્ન થાય છે, ત્યારે લોહીનો કે કૌટુંબિક કોઇ જ સંબંધ ના હોવા છતાં પણ એ ભાવની કુદરતી અનુભૂતિ જ કંઇક અનોખી જ હોય છે....!

એવી જ રીતે ગુરુ-શિષ્યનો સંબંધ..એ પણ એક અલગ જ પ્રકારનો હોય છે...અને આપણાં ભારતીય ઇતિહાસમાં તો સદીઓથી ગુરુભક્તિ વિષે અનેક પ્રસંગોનું નિરૂપણ થયેલું છે ..!

હજુ એક બીજો સંબંધ છે પ્રણય ..જેમાં પણ હૃદયમાં એકબીજા પ્રત્યે જે ભાવ ઉદભવે છે એ કુદરતી જ હોય છે.. જેમાં એકબીજાને પામવા કરતાં એકબીજા માટે ત્યાગની ભાવના વધારે રહેલી હોય છે..ઘણી વાર હૃદયમાં ભાવ હોવા છતાં તેઓ એક્બીજાને પામી શક્તાં નથી તો પણ ગમે તેવા સંજોગો હોવા છતાં પણ તેમનાં હૃદયમાં એ પ્રણય-લાગણી એવી જ પવિત્ર રહે છે.. આ બંધન પણ અનોખું જ હોય છે... જેમ કે મીરાં-કૃષ્ણ...એમનાં બંધનને આજ સુધી કોઇ પારખી શક્યું નથી.. પણ કૃષ્ણ ભગવાને જેટલું મહત્વ રાધાજીને અને રુકિમણીજીને આપ્યું છે એટલું જ મીરાંબાઈને પણ આપ્યું છે... મીરાંબાઈની પ્રેમ લક્ષણાંભક્તિથી પણ એક અનોખું બંધન બંધાયું છે શ્રીકૃષ્ણ ભગવાન નું...!

અમુક બંધનો ને આપણે નામ આપી શકતાં નથી ..એટલે જ એ અલૌકિક-અનોખું કહી શકાય ..દરેક બંધનમાં એક અનોખા માનની ભાવના સમાયેલી હોય છે..જે માનની નજરે આપણે સંબંધને મૂલવીએ એવી રીતે એકબીજાનાં બંધનમાં બંધાઈએ..

આ બધાં લાગણીભીનાં સ્પંદનો એવી રીતે હૃદય માં ઉદભવતાં હોય છે જાણે કે ફૂલો પર ઝાકળબિંદુઓ પ્રસરી રહ્યાં હોય..!!..અને આ અહેસાસને ફક્ત મહેસુસ જ કરી શકાય છે...જેને શબ્દો માં આલેખી શકાતું નથી..!

અંતે એ બંધન જ અલૌકિક હોય છે જેમાં સાચા પ્રેમની લાગણી હોય, જેને સામાજિક કે કૌટુંબિક નિયમો કે સંબંધો લાગુ પડતાં નથી એવા બંધનની વ્યાખ્યા ને એક જ શબ્દ માં સમજાવી શકાય ...!


..*.. અનોખું બંધન ..*..

* Note *

મિત્રો, હવેથી આ બ્લોગ પરની દરેક પોસ્ટ આપ સમન્વય પર વાંચી શકશો. આ સાઇટનું url છે, http://www.samnvay.net . જેને આપ બુકમાર્ક કરી લેશો. આપના સ્નેહ અને સહકાર બદલ આભાર ...!